ભગવાન કો માનતે હો ???
એક મુલાકાત (ભગવાન સાથે)
ખાસ નોંધ: આ લેખના રચયતા ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે.
"એકવાર એક માણસે મોટું મંદિર બનાવ્યું. આલીશાન, અતિસુંદર, આંખોને અને મનને ઠંડક આપે એવું. ચારે તરફ હરીયાળી, તેની વચ્ચે પાણીમાં નૃત્ય કરતા ફુવારા, નવ્ય જાતિના ફૂલો અને ચંદન-ધૂપથી મહેકતુ પાવન વાતાવરણ. નાસ્તિકને પણ આસ્તિક બનાવી દે એવુ મંદિર. મંદિરની સીડીઓ સોનાની, ખજુરાહો,વાવ અને અન્ય ઐતિહાસિક શિલ્પસ્થાપત્યોની મિશ્રણથી જે તત્વ ભેગુ કરી દીવાલ રચવામાં આવે એવુ અદભૂત ત્યાનુ કોતરણી કામ.
નવા બનેલા આ મંદિરની મનોહરતા ગામેગામ પ્રસરી ગઈ. લોકો મંદિરમાં દાન કરવા, દર્શન કરવા આવતા પરંતુ જે મંદિરમાં ભગવાનની અનુભૂતિ જ ન હોય ત્યાં કોની ભક્તિ થઈ શકે? કારણ એ મંદિરમાં કોઈ ભગવાન, દેવી કે દેવતાનુ નામ કે ફોટો ન હતો. બ્હાર મંદિરનુ કોઈ બોર્ડ લગાવ્યુ ન હતુ કે ન હતી મંદિરમાં કોઈ મુર્તિ. એ મંદિરમાં એ માણસે ભગવાનની તપસ્યા કરવાનુ શરૂ કર્યું. ધ્યાનમાં બેશેલા આ માણસને જોઈ મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ શાંતિ જાળવતા. નવ દિવસ સતત તપસ્યા ચાલી. (આપણે એ વાતમાં નહીં પડીએ કે નવ દિવસ સુધી કેવી રીતે કોઈ માણસ ખાધા-પીધા વગર સતત તપ કરી શકે, નહી કે નિત્યક્રિયા વિશે કોઈ પ્રશ્ન કરીએ માની લઈએ કે એવુ થયુ હશે.) દશ દિવસ આ ખેલ ચાલ્યો. અગિયારમાં દિવસે ભગવાન પ્રગટ થયા.
મોતી જડેલો મુગટ સોનાના વસ્ત્રો-આભૂષણોથી સુશોભિત ઈશ્વરીય પ્રતિમા તે માણસની સામે ઊભી હતી. ભગવાનની આંખોમાં દિવ્ય તેજ હતુ. તેમના ચહેરા પર સ્મિત હતુ. તે માણસ પૂતળુ બની ગયો હોય એમ જોઈ રહ્યો હતો. સ્તબ્ધ બની ઈશ્વરની પ્રતિમાને તે તાકી રહ્યો. ભગવાને વાત્સલ્ય સાથે તેની સામે જોઈ પુછ્યું: "માંગ, માંગ મનુષ્ય શું જોઈએ છે તારે?" માણસ ઊભો થયો, હસ્યો અને હાથ જોડી બોલ્યો: "મારે વરદાન જોઈએ છે પ્રભુ, જ્યાં સુધી આ પૃથ્વીની હયાતી છે ત્યાં સુધી મનુષ્ય તરીકેનુ મારૂ અસ્તિત્વ ટકી રહે અને હું જેને ઇચ્છુ તેને મારી શકુ !"
"પોતાનુ અસ્તિત્વ ટકી રહે એ તો સમજમાં આવ્યુ પરંતુ બીજાને મારી નાખવાનુ વરદાન કેમ જોઈએ છે તારે?"
"ભગવાન આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે મૃત્યુની ખૂબ નજીક છે, પણ તેઓ મૃત્યુને આલિંગતા નથી. બીમારીથી, ઉમરથી, જવાબદારીથી અને લાચારીથી ઢસડતા, પિટાતા, રિબાતા, સહન કરતા લોકો જીવી રહ્યા છે. આવા લોકોનુ કોઈ કામ નથી. જે રોગથી પીડાય છે એ ટૂંક સમયમાં જ મૃત્યુ પામશે. જે લાચારીથી ઉમરના કારણે નિરુદ્દેશ જીવી રહ્યા છે, એમનુ પણ અહી કઈ કામ નથી, આ બધા લોકો ધરતી પર બોજ રૂપ છે. આવા લોકો બીજા મનુષ્યોની તકલીફો વધારે છે. પોતાનુ નિષપ્રયોજીત અસ્તિત્વ જેમ તેમ ટકાવીને પોતાના સ્વજનો અને આસપાસના લોકોના કામમાં અડચણો ઊભી કરે છે. આ બધાનો નાશ કરી મારે આ પૃથ્વીને હળવી કરવી છે."
ભગવાન સ્મિત સાથે બોલ્યા: "હે મનુષ્ય, આ પૃથ્વી પર જે કોઈ જીવ જન્મ લે છે એ સાથે જ તેનુ મૃત્યુ નક્કી થઈ ગયુ છે. ભૂખ,પીડા,બીમારી દરિદ્રતા, જે તે મનુષ્યોના કરેલા કર્મનુ સ્વરૂપ છે, જે કર્મ મનુષ્ય તેના જીવનકાળ દરમિયાન કરે છે, તેનુ સારું/ખરાબ ફળ મળવાનુ જ છે. એ ભોગવ્યા સિવાય છુટકારો નથી. જ્યાં સુધી માણસને તેના કર્મોનો હિસાબ નહી મળે એ પહેલા તેના મૃત્યુનો નિર્ણય કોઈ મનુષ્યના હાથમાં નથી. જે પીડિત છે, વૃદ્ધ છે, નિર્બળ છે એવા લોકોના પ્રાણ તારે લેવા છે?"
"કારણ કે પ્રભુ આવા લોકોની દરિદ્રતાથી અન્ય મનુષ્યો પણ દુ:ખી થાય છે. ગરીબ ઘરમાં વૃદ્ધ વ્યક્તિ અથવા કારમી બીમારી સહન કરતી વ્યક્તિ જેનો અંત નિશ્ચિત છે એ લોકો તેના સ્વજનો કે તેની આસપાસના સૌને તકલીફમાં મૂકી, પોતાની સેવામાં વ્યસ્ત રાખે છે. જે અંતે તો નિરર્થ જ નિવડવાનુ છે."
"સુખ-દુ:ખ તો ગતિના ચક્રની માફક ફર્યા કરે છે, આનંદ અને પીડાએ જીવનના ચાલકબળ છે. એક જાય એટલે બીજુ આવે છે. તેની ગતિમાં કોઈ અવરોધ છે નહી, કર્મનુ આ ચક્ર દુ:ખ આપે છે, એ સાથે સમય આવતા આનંદ પણ આપે છે. દુ:ખ ક્યારેક બીમારી હોય શકે, નિષ્ફળતા કે સ્વજનનુ અવસાન પણ હોઇ શકે છે, સામે તરફ સુખની અનુભૂતિ આનંદદાયી હોય છે. પુત્ર/પુત્રીનો જન્મ, વ્યવસાયમાં સફળતા કે માંગલિક પ્રસંગો વગેરે અનેક પ્રકારે મનુષ્ય સુખ ભોગવતા હોય છે. તેના માટે કોઈના પ્રાણ છીનવી લેવા એ યોગ્ય બાબત છે નહી."
"સારૂ, તો મને એવુ વરદાન આપો કે હું દરેક જીવના પ્રાણ બચાવી શકુ." માણસે આજીજી કરી.
"એવુ તો કેમ બને, જો તુ સંસારમાં બધાના જીવ બચાવ્યા કરું તો માનવજાતિની ગતિ અવરોધાય, રહેવાની, ખાવા-પીવાની અગવડ ઊભી થાય, જો ફક્ત જન્મથી જીવન જ રહે મૃત્યુ ન હોય તો પૃથ્વીનો વિનાશ થશે. જન્મ અને મૃત્યુ એકબીજાના પર્યાય છે, એક આવે તો બીજુ જાય છે." ભગવાને કહ્યુ. હવે આ માણસ શું માંગશે અથવા શું દલીલ કરશે તે જાણવાની જીજ્ઞાશા થવા લાગી.
"તમે છો ને? કે ખાલી આ બધી વાતો છે?" માણસે કડકાઈથી પૂછ્યું.
"એટલે?"
"એટલે એમ કે તમે આડી દલીલો કરો છો, મને વરદાન આપતા નથી. માટે પૂછું છુ તમે વાસ્તવમાં છો કે પછી..."
"હે તુચ્છ... નરાધમ તારી આ હિમ્મત, કે તુ મારા અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે!!! ના ભૂલીશ તારુ સર્જન મેં કર્યું છે. આ પૃથ્વીનુ, આ બ્રહ્માંડનુ, આ જગત આખાનુ સર્જન મેં કર્યું છે... સમગ્ર સૃષ્ટિમાં, બ્રહ્માંડના કણે કણમાં અને રજે રજમાં મારૂ અસ્તિત્વ રહ્યુ છે. ત્રણેય લોક અને આ વિશ્વનુ સંચાલન હું કરુ છુ. મારી ઈચ્છા અને અનુમતિ સિવાય પવન પણ હલી શકતો નથી. તારા જેવા અનેક મનુષ્યો હજારો વર્ષોથી જીવ્યા અને મૃત્યુ પામ્યા, દરેક જીવમાં હું વસ્યો છુ, લોકો મારી પુજા કરતા અને તુ મારા અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે ?!?" ક્રોધિત થયેલી ઈશ્વરની આંખોમાંનુ દીવ્ય તેજ ઓછુ થઈ ગયુ.
વાવાઝોડા જેવો પવન ઘરરરર... ઘરરરર કરતો ઉડવા લાગ્યો, ધૂળની ડમરીઓ ઉડવા લાગી, મંદિરની ઘંટડીઓ પવનના કારણે ડોલવા લાગી, અને તેનો ઘેરો નાદ વિનાશક આપત્તિના સંકેત આપતુ હોય એમ લાગી રહ્યુ હતુ. માણસ ગભરાઈ ગયો, ભગવાનના પગે પડયો. આ જોઈ ભગવાન થોડા શાંત થયા. બધુ એકાએક થંભી ગયુ. "હે પ્રભુ... જો તમે ખરેખરમાં છો તો જે તમારુ જ સ્વરૂપ છે એવા વૃદ્ધ મા-બાપ કેમ ઘરડા ઘરમાં છે? જેને તમારુ સ્વરૂપ કહેવામા આવ્યા છે ફૂલ જેવા નાના બાળકો કેમ રોડ પર રજળતા ફરતા હોય છે, કેમ જન્મતા સાથે જ કચરાપેટીમાં જોવા મળે છે? કેમ મા ની કોખમાં દીકરીઓને મારી નાખવામાં આવે છે?"
માણસના પ્રશ્નો સાંભળી ભગવાન સ્વસ્થ થયા અને ઉત્તર આપવા પ્રેરાયા: "હે મનુષ્ય, દરેક વ્યક્તિએ કરેલા પાપની સજા એને પોતે જ ભોગવવી પડે છે. લાખ ચોર્યાશીના જન્માંતરમાં જે પાપ ગયા જન્મમાં કર્યા હોય એને તેના બીજા જન્મમાં પાપની સજા ભોગવવી પડે છે. કુદરતનો આ નિયમ છે. ભયંકર, આકરુ, બિહામણુ એવુ બધુ જ મનુષ્યએ પોતે કરેલા પાપ સાથે સ્વીકારવાનુ રહે છે. કર્મનો આ જ તો સિદ્ધાંત છે. તમે જગતને જે આપશો, એ તમારા પાસે પાછું આવશે જ."
ભગવાનના ચરણોમાં પડેલો એ માણસ બોલ્યો: "મેં લોકોને અત્યંત બૂરી રીતે મરતા જોયા છે, સમાજ માટે, દેશ માટે લોકો મરે છે, એમનુ કયુ પાપ ? અને કોખમાં રહેલા બાળકનુ તો શું પાપ? કે જન્મ પહેલા તેને મારી નાખવામાં આવે છે, અને કોઈ લાચાર બુઝુર્ગ ઘરે ઘરે ઠોકરો ખાય એની એ દરિદ્રતાને જો તમે તેના પાપની સજા આપતા હોવ તો આ અસ્તિત્વ એક ઈશ્વરનુ ન જ હોય શકે !
આ ધરતી પર જન્મ લીધા બાદ મારે કેવી રીતે મરવાનુ હશે કે દરેક માણસ કેવી રીતે મરશે એ તેની વ્યકતીગત પસંદગી કે આકસ્મિક મોત હોવી જોઈએ, કોઈ આતંકવાદી/નક્સલી નહીં નક્કી કરે કે ટ્રેન/એરોપ્લેનમાં મુસાફરી કરતા, હોટેલમાં આરામ કરતા લોકોને મારી નાખુ. એ એની પસંદગી ન હોવી જોઈએ. જો આ મૃત્યુ ભગવાને નક્કી કરી હોય અથવા લખી હોય, પ્રાણ લેવાનુ કાર્ય એક આતંકવાદી કે નક્સલીને સોંપ્યુ હોય તો એ દાનવ હોય શકે, ભગવાન તો નથી જ...!!!"
એ ઘડીમાં શાંતિ પ્રસરી ગઈ. તે માણસ બોલતા-બોલતા હાંફી ગયો. ભગવાને ઉત્તર આપતા કહ્યું: "એમાં..."
માણસે બોલવાનુ શરૂ કર્યુ: "કણે કણમાં તુ, રજે રજમાં તું...હેં ભગવાન, આ ધરતી પર જીવી રહેલા દાનવો પોતાની હવસનો શિકાર ૧૪,૧૪ માસની બાળકીઓને બનાવે છે. એ ફૂલ જેવી નાની દીકરીઓનુ શું પાપ ?!? તુ કહીશ મને, કયા જન્મની કઈ સજાનુ આ પાપ છે? એવા કયા પાપની સજા તરીકે અત્યાચાર ફૂલ જેવી નાજુક બાળાઓને આ તારા હવસી દરિન્દા આપી રહ્યા છે ? છે આ કાયરોમાં તારુ અસ્તિત્વ? જેમ તુ કે'છે: દરેકમાં જીવમાં તુ વસ્યો છે, તો આ દાનવોમાં તુ વસ્તો હાઈશ મારામાં તો નહીં જ!
"અમે મનુષ્યોએ નારીને દેવીનુ સ્થાન આપ્યુ છે, દરેક ઘરમાં નારીને દેવી માનવમાં આવે છે. એ દેવી જેને કાલી,દુર્ગા,સરસ્વતી,પાર્વતી અને લક્ષ્મીના સ્વરૂપે ઘરમાં સ્થાન આપવામાં આવે છે. તો કેમ ઘરની આ દેવીઓને રોજ કુંટવામાં, મારવામાં આવે છે, કેમ ખૂલેઆમ રોડ પર તેના ચહેરા પર તેજાબ છાંટવામાં આવે છે? કેમ આ દેવીઓને પોતાના બાળકો સાથે કુંવામાં જંપલવામાં કે ગળો ફાંસો ખાવા મજબૂર કરવામાં આવે છે? એ સ્ત્રીઓને, દીકરીઓને અત્યાચાર, ઢોરમાર, તેજાબ અને કેદ કરવામાં આવે છે, હરરોજ રિબાવવામાં આવે છે, કહીશ તુ મને તારા એવા કયા પાપની આ સજા છે???"
ભગવાનની અનુમતિ વિના ન ચાલી શકતો પવન પણ આજે પોતાની મસ્તીમાં મન ફાવે એમ વાય રહ્યો હતો. માણસના મનમાં ગુસ્સો અને આક્રોશ હતો. પરંતુ ભયનુ એક ટીપું પણ એના શરીરમાં ન હતુ. તેણે મનમાં નક્કી કર્યું હતુ, આ ભગવાન મોતથી ભૂંડુ તો શું આપી શકવાનો મને? જો આજે આ ઈશ્વર મોત વરદાન રૂપે આપી દે તો પણ કોઈ અફસોસ નહીં રહે. આમ પણ અંદરથી ક્યાં કોઈ જીવે જ છે! માણસની નજર તેજ ચમકતા ભગવાનના મુગટ પર પડી.
"કયા માનમાં આવુ વૈભવશાળી ટોપુ પેહર્યું છે? " માણસ ભગવાનના પગ પાસેથી ઊભો થયો અને અત્યંત ગતિથી મુગટ પર હાથ ફટકાર્યો. ભગવાનનુ મુગટ નીચે પાડવાનો પ્રયત્ન કર્યો. ભગવાનની કાયાની આરપાર તેનો હાથ વયો ગયો. ઓચિંતા થયેલા આ પ્રહાર જોઈ ભગવાન પોતે બોલ્યા: "અરરે...!!! પણ" ભગવાનના માથેથી એક પરસેવાનુ ટીપુ કલમ આગળથી નીચે ઉતર્યું. થાકીને, હારીને, નિરાશ થઈને પાછો તે માણસ ભગવાનના ચરણો પાસે જઇ પડ્યો. તેને ચરણોમાં જોઈ ભગવાનના ચહેરા પર એ જ ચમક, એ જ વાત્સલ્ય ફરી દેખાવા લાગ્યુ પરંતુ થોડી ચિંતા સાથે.
માણસ ઊભો થયો. તેની આંખોમાં રહેલો ક્રોધ અને આક્રોશ પણ ભગવાનનુ સ્મિત વેરી ન શક્યુ. તે માણસે પણ ભગવાનને સામે સ્મિત આપ્યુ: "માફ કરજો ભગવાન, નથી જોઈતુ મારે કઈ, તેલ લેવા ગયું વરદાન! બસ એક સવાલનો ખાલી જવાબ આપી દો..."
"બોલ." સ્મિત સાથે ભગવાન બોલ્યા.
" તમે વાસ્તવિકતામાં તો છો ને?"
અચાનક જાણે આખી સૃષ્ટિ વેરાન થઈ ગઈ હોય એવી શાંતિ પ્રસરી ગઈ. સમય જાણે બે ઘડી આ બંનેની વાતો સાંભળવા ઊભો હોય એમ થંભી ગયો. કહેવાતા ‘ભગવાન’ સ્તબ્ધ થઈ ગયા, થોડી વાર પહેલા જે સ્મિત હતુ તેની અનુપસ્થિતિ ચહેરા પર વર્તાવા લાગી. લોકો જેને માને છે એ ભગવાનને અત્યારે બોલવા કઈ સુજયુ નહીં. થોડી ક્ષણ બાદ માણસ ફરીથી બોલ્યો:
"પ્રભુ, કણે કણમાં અને રજે રજમાં તુ છો, બ્રહ્માંડના દરેક હિસ્સામાં તમે છો, સૃષ્ટિનુ સંચાલન તમે કરો છો, ઋતુઓનુ નિયમન તમે કરો છો, આ ધરતી પર જન્મ લેતા દરેક જીવમાં તમે છો, આગની એ ગરમીમાં, વાયુ-પાણીની ઠંડકમાં, ચંદ્ર-સૂરજના તેજમાં, ભરતી-ઓટમાં, કૈલાસમાં વસતા ઋષિના ધ્યાનમાં તો જ્યાં મનુષ્ય નથી પહોંચી શક્યો એ સ્થાનમાં તમે અથવા તમારો અંશ/ અહેશાસ /અસ્તિત્વ રહ્યું છે, તો શું જે ઘરમાં નારી રોજ પિટાય ત્યાં તમે છો ને? કોખમાં મારી નાખવામાં આવતા બાળકમાં તમારો અંશ છે? લાચારીથી આપઘાત કરતી નારીમાં તમારો અહેશાસ છે? ભૂખ્યા રાક્ષશોની હવસનો શિકાર બનેલી બાળકીઓની ચિખમાં હતુ તમારુ અસ્તિત્વ !!!??? કે શું આપી રહ્યા છો તમે સરહદ પર અમર થતા જવાનોને તેમના પાપની સજા?"
"હું જાવ છું," ભગવાન બોલ્યા.
"ના પ્રભુ, ના... મને કહીને જાવ, બસ મારા આ સવાલોના જવાબ આપી દો મને, તમે છો ને?"
(ભગવાને ચાલવાનુ શરૂ કર્યું માણસ પણ તેની પાછળ પાછળ ગયો. તેમને પકડીને ઊભા રાખવાનો પ્રયત્ન કર્યો, પણ તે પ્રયત્ન નિરર્થક નિવડયો. ભગવાનની કાયાની આરપાર તેનો હાથ નીકળી ગયો.)
"પ્રભુ...પ્રભુ એ દિવસે એક મંદિરમાં ૧૨ વર્ષની બાળકી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. એ સરખુ બોલી પણ ન'તી શક્તી, ન તો સમજી શક્તી કે તેની સાથે શું થઈ રહ્યુ હતુ. તમે ત્યાં હતા ને પ્રભુ હેં? માણસ કગર્યો પરંતુ ભગવાને ચાલવાનુ બંધ ન કર્યું. (માણસ ઊભો રહી ગયો.) ભગવાન તુ ખરેખરમાં જ હોત ને તો મને જવાબ આપી ને ગયો હતો. અથવા એ નપુંશકોને પરચો આપ્યો હોત, આમ, પીઠ બતાડીને કાયરની જેમ ભાગ્યો ના હોત...
ભગવાન ઊભા રહી ગયા, પાછળ ફર્યા. માણસે બોલવાનુ ચાલુ રાખ્યુ: પુરુષ જાતિ લઈને જન્મતા મનુષ્યો જ્યારે આવુ કૃત્ય કરે ત્યારે મને પોતે એમ થાય કે... કે આના કરતા તે અમને પણ એક કાણું વધારે આપ્યુ હોત ને તો તારાથી કોઈ ફરિયાદ ના રહેતી !!!
"શું નામ છે તારુ, કોણ છે તુ ?" ભગવાન બોલ્યા.
"આ બ્રહ્માણ્ડ, આ વિશ્વનુ સંચાલન એની મેળે નથી થતુ, કોઈક તત્વ છે જે આનુ સંચાલન કરે છે માટે હું નાસ્તિક નથી, જે સ્વરૂપ તને(ભગવાનને) આ દુનિયા એ આપ્યુ છે, જે કલ્પના અને માન્યતા તારા વિષે ઘડી છે એ પ્રમાણે આજે તુ બધે (કદાચ જો છે તો) મૌન રહીને જોઈ રહ્યો છે તો હું આસ્તિક પણ નથી. હું એ ઈશ્વરને માનુ છુ જે ન તો કોઈ ઇતિહાસ ધરાવે છે, ન તો એ કોઈ વ્યક્તિત્વ ધરાવે છે કે ન તો તેનું કોઈ ચિત્ર/મુર્તિ/માનસિક પ્રતિમા છે. એ ઈશ્વર જે કદાચ એક દિવસ ન્યાય તોળવા આવશે. એ ઈશ્વરની હું રાહ જોઉ છુ, હુ વાસ્તવિક છુ. હવે તુ પણ કહી દે તુ છે???"
માથા પરથી મુગટ ઉતાર્યું, ગંભીર મુદ્રામાં ઊભા રહ્યા(સ્મિત સાથે): "હું છું!!!... હું... છું, હું... છું ???" ધીમે ધીમે અસ્ત થતાં સુરજ સાથે (કહેવાતા)ભગવાનની એ કાયા/પ્રતિમા/માનસિક_ચિત્ર/આભાસ/hallucination (ભ્રમ) કે જે કહો તે અદ્રશ્ય થઇ ગયુ.
-કીર્તિ કોરડીયા
વિશેષ:- હું એટલા માટે નાસ્તિક નથી
થયો, જો ભગવાન હશે તો કો'ક દિવસ
કામમાં આવશે. -જલન માતરી

Comments
Post a Comment